નવજાત શિશુની સંભાળ
ગર્ભાધાનથી માંડીને પ્રસૂતિ સુધીનો લગભગ નવ માસ કરતાંય વધારે સમય માતાના સુરક્ષિત ઉદરમાં વિતાવીને શિશુ જ્યારે જન્મે છે , ત્યારે તેને માટે એક તદ્દન નવા વાતાવરણનો અનુભવ થોડો ઘણો કપરો તો ખરો જ ! નવ મહિના જે વાતાવરણમાં તે રહ્યું હોય , તેના કરતાં સાવ ભિન્ન વાતાવરણમાં આવતાંની સાથે જ એક ક્ષણમાં તેને ટેવાઈ જવું પડે છે . જે બાળક પ્રસૂતિની કોઈ તકલીફ વિના પૂરા મહિને જન્મ્યું હોય , લગભગ અઢી કિલોગ્રામથી વધુ વજન ધરાવતું હોય , જન્મતાંની સાથે રડવા લાગ્યું હોય અને જેને કોઈ ખોડખાંપણ ન હોય તેને સામાન્ય રીતે તંદુરસ્ત બાળક ગણી શકાય .
સામાન્ય રીતે બાળક જન્મીને સૌપ્રથમ રડવાની પ્રવૃત્તિ કરે છે , કેમ કે તેને જીવતા રહેવા માટે રડવું જરૂરી છે . રડવાથી બાળકની શ્વસનક્રિયા ચાલુ થાય છે . તેનાં ફેફસાંની બંધ કોથળીઓ ચાલુ થાય છે અને શ્વાસ દ્વારા લીધેલો પ્રાણવાયુ લોહીમાં ભળી જાય છે . જીવનના પ્રારંભથી શરૂ થયેલી શ્વાસોચ્છ્વાસની આ લયબદ્ધ પ્રક્રિયા જેટલી સરળ અને અસરકારક હોય તેટલું બાળકનું જીવન તંદુરસ્ત અને આયુષ્ય લાંબું થાય છે . કદાચ કોઈ બાળક જન્મ્યા પછી થોડી ક્ષણોમાં ન રડે તો , તેનું જીવન જોખમમાં છે એમ કહી શકાય . પ્રસૂતિસ્થળે નિષ્ણાત દાયણ કે દાક્તર હાજર ન હોય તો બાળકને હળવેથી તેના વાંસા પર થાબડવું . કદાચ તેમ કરવાથી એ રડે પણ ખરું ! ઠંડું પાણી છાંટવાથી પણ બાળક ઉત્તેજિત થતાં રડવાનું શરૂ કરે છે . પ્રસૂતિગૃહનું પર્યાવરણ : કેટલાંક ઘરોમાં અને પ્રસૂતિગૃહોમાં જ્યાં અનુભવી દાયણો હોય છે , ત્યાં પણ બાળકના જન્મ પછી તેની સલામતી માટે કેટલાક ખોટા ઉપાયો યોજવામાં આવે છે . પ્રસૂતિ બાદ પ્રસુતિગૃહનાં બારીબારણાં બંધ કરી દેવામાં આવે છે કે પડદા બાંધી દેવામાં આવે છે . પરિણામે ચોખ્ખી હવા અને ઉજાસના માર્ગો બંધ થઈ જાય છે . નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે આ સલામતીભર્યું નથી . પ્રસૂતિખંડમાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ અને શુદ્ધ હવાની અવરજવર રહેવી જોઈએ . આ ખંડમાં સ્વચ્છતા , બિનજરૂરી ચીજવસ્તુઓની ગેરહાજરી તથા શાંતિ ખુબ આવશ્યક છે . પ્રસૂતાના ખબરઅંતર પૂછવાને બહાને ત્યાં એકત્ર થતું શ્રીવૃન્દ અને તેમની મોટેમોટેથી થતી વાર્તાનો ઘોંઘાટ નવજાત બાળકને ત્રાસરૂપ નીવડે છે . ઉનાળાની ગરમી કે શિયાળાની ઠંડીમાંથી બાળકને બચાવવા પંખો કે ઉષ્મા આપનારાં સાધનો વાપરવાં ઇચ્છનીય છે . હવા , અવાજ અને ખોરાક , પાણી કે ઔષધોથી પેદા થતું પ્રદૂષણ અટકાવવું જરૂરી છે . આવાં પ્રદૂષણને કારણે બાળકનું આરોગ્ય જોખમાય છે . વાતાવરણમાં રોગનાં સૂક્ષ્મ જતુંઓ હોય છે , જે બાળકના શ્વાસ દ્વારા તેના શરીરમાં પ્રવેશી તેના કોમળ જીવનકોષોને નુકસાન પહોંચાડે છે . બાળકને તેનાથી બચાવવા પ્રસૂતિખંડની સ્વચ્છતાને સુઘડતાની તેમજ પર્યાવરણ અને પ્રકૃતિની જાળવણી થવી જોઈએ . વારંવાર પ્રસૂતિખંડમાં ધૂપ અને ધુમાડો કરવાનું પણ ઉચિત નથી , કેમ કે તેમ કરવાથી નવજાત શિશુની શ્વસનક્રિયા રૂંધાય છે , અને તેની આંખો બળે છે . હા , દિવસમાં એકાદ વખત ફિનાઇલના મંદ દ્રાવણથી ખંડની સફાઈ કરી લેવી .
જન્મ પછી :
બાળકના જન્મ પછી તેની શ્વસનક્રિયા બરોબર ચાલુ થવી જોઈએ . તે પછી તેને કોકરવરણા સ્વચ્છ પાણી વડે , મુલાયમ ટુવાલથી સાફ કરીને , ચોખ્ખા સુતરાઉ કપડામાં લપેટી , પોચી પથારી પર સુવાડવું . તેની બંને આંખો જુદાં જુદાં પૂમાંથી સાફ કરવી . તેવી જ રીતે બંને કાન , નાક અને મોં પૂમડાંથી સાફ કરવાં , તે પછી તેનું વજન કરીને તેની નોંધ કરવી . એક વાત ન ભુલવી જોઇએ કે , નવજાત શિશુની આટલી પ્રાથમિક સંભાળ લીધા પછી તેને તેની માતાની સાથે સુવાડવું જોઈએ . તેમ કરવાથી માતા અને બાળક વચ્ચે પ્રેમસેતુ બંધાય છે . માતાના સાન્નિધ્યથી બાળકને સલામતી અને વાત્સલ્યનું કવચ પ્રાપ્ત થાય છે .
ચામડીની સંભાળ
નવજાત શિશુની ત્વચા એટલી બધી કુમળી અને સંવેદનશીલ હોય છે કે , તેને પહેરાવવામાં આવેલ કપડાંથી , તેના માટે પાથરેલી પથારીથી કે જંતુ યા મચ્છરના ડંખથી તેને બહુ નુકસાન થાય છે . તેથી તેની પૂરતી સંભાળ રાખવી જરૂરી છે . જ્યારે બાળક અધૂરા માસે જન્મ્યું હોય ત્યારે તો તેની ચામડીની ખૂબ જ સંભાળ રાખવી પડે છે . ખાસ કરીને આવા બાળકને સુંવાળા કપડામાં અને સ્વચ્છ રૂના પડમાં વીંટીને રાખવામાં આવે છે . કેટલીક વાર નવજાત બાળકની ત્વચા પર વાદળી કે રાતા - જાંબલી રંગના ડાઘ હોય છે . મોટા ભાગે તો તે ધીમેધીમે આપોઆપ ઓછા થઈ જાય છે . કેટલાક દાખલાઓમાં આ રાતા - જાંબલી રંગના ડાધા કાયમ રહે છે . આવા ડાઘને ‘ લાખું ’ કહે છે . તે માટે કોઈ તાત્કાલિક ઉપાયની જરૂર રહેતી નથી . કેટલાક કિસ્સાઓમાં બાળકના જન્મ પછી બે - ત્રણ દિવસમાં તેની ત્વચા પર લાલ કે સફેદ રંગની નાની નાની ફોલ્લીઓ થાય છે . તેનાથી પણ ગભરાવાની જરૂર નથી . ધીમેધીમે તે પણ શમી જાય છે .
બાળકના જન્મ પછી તરત જે તેના શરીર પરથી લોહી અને અન્ય ચીકણા પદાર્થો સાફ કરીને તેને સદરો પહેરાવી દેવો જોઈએ . તેનું માથું પણ મુલાયમ કપડાથી કે ટોપીથી ઢાંકેલું રાખવું . ઠંડીના દિવસો હોય તો સુતરાઉ સદરા ઉપર ગરમ ખુલ્લું કપડું ઓઢાડવું . એક - બે દિવસ પછી ઉકાળેલા પાણીને નવશેકું કરીને બાળકને નવડાવી શકાય . હા ગ્લિસરીનયુક્ત સાબુનો અથવા કાર્બોલિક સાબુનો ઉપયોગ પણ કરી શકાય . નવજાત શિશુને સ્નાન કરાવવાની ક્રિયા ખૂબ કાળજી માગી લે છે . તેમાં ઉતાવળ કે અણઘડપણું ન ચાલે . બાળકનું ગળું , બગલ અને સાથળ ઇત્યાદિ અંગોને બરોબર સાફ કરવાં તથા મોં , નાક , આંખ અને કાનમાં પાણી દાખલ ન થઈ જાય તેની તકેદારી રાખવી . ચોખ્ખા ફલાલીન જેવા કપડાથી તેનું શરીર લૂછી લેવું . ઠંડી ઋતુમાં બાળકને નવડાવ્યા પછી ચામડી સૂકી લાગે તો તેના શરીરે તલના તેલથી હળવા હાથે માલિસ કરવું .
આંખની સંભાળ
બાળકની બંને આંખો , ઉકાળીને નવશેકા કરેલા સ્વચ્છ પાણીથી જુદાં જુદાં રૂનાં પૂમડાંથી દરરોજ સાફ કરવી . જો આંખ ચોંટતી જણાય કે તેમાં પીયા દેખાય તો ઉકાળીને સ્વચ્છ કરેલા પાણીથી કે તેવા પાણીમાં બોરિક પાઉડર નાખીને આંખો ધોવી . અન્ય કોઈ વિક્રિયા દેખાય તો દાક્તરની સલાહ લેવી . કોઈ વાર આંખમાં લોહીનાં ટીપાં જેવો ભાગ દેખાય તો ગભરાવાની જરૂર નથી . સમય જતાં તે આપમેળે બરોબર થઈ જાય છે . આંખમાં કાજળ આંજવાની કોઈ જરૂર રહેતી નથી .
મોઢા - કાનની સંભાળ
કોઈ બાળકના માથા પર તાળવાના ભાગે ખોડાના જેવાં પોપડાં જામેલાં દેખાય છે . તેનાથી મૂંઝાવાની જરૂર નથી . વખત જતાં તે કુદરતી રીતે જતાં રહે છે . હા , જરૂર મુજબ તેના પર તેલ કે દિવેલ હળવા હાથે ઘસવું , બાળકના કાનમાં અવારનવાર રૂવાળી સળી હળવેથી ફેરવવી , જેથી કાનમાં મેલ જામે નહિ . કાનમાં તેલ નાખવાની કે કઠણ સળી યા સાધનથી ખોતરવાની જરૂર નથી . તે હાનિકારક છે .
ડૂંટી - નાળની સંભાળ
શરૂઆતમાં દર છ કલાકે નવજાત શિશુના નાળની તપાસ કરવી જરૂરી છે . જો તેમાંથી લોહી નીકળતું લાગે તો તેને ફરી વાર દોરાથી બાંધી શકાય . તેમ છતાં પણ જો લોહી નીકળવાનું ચાલુ રહે તો દાક્તરની સલાહ લેવી . સામાન્ય રીતે સ્પિરિટ અથવા જંતુનાશક દવા ( ડેટોલ કે સેવલોન ) ના દ્રાવણવાળા પૂમડાથી નાળ સાફ કરી , નિયોસ્પોરિન જેવો જંતુનાશક પાઉડર લગાડી સ્વચ્છ કપડાનો પાટો બાંધી દેવો . આમ કરવાથી પાંચથી દશ દિવસમાં નાળ સુકાઈને ખરી પડે છે . જો નાળ ખરી પડચા પછી તે જગા બહુ સૂકી અને બરછટ લાગે અને ચામડી ખેંચાય તો નિયોસ્પોરિન મલમ તે જગા પર લગાવી શકાય .
રસી મુકાવવી
જે બાળકોનો જન્મ હૉસ્પિટલ - પ્રસૂતિગૃહમાં થયો હોય તેમને તો રજા આપતાં પહેલાં હૉસ્પિટલના દાક્તરો જરૂરી રસી મૂકે જ છે . સામાન્યત : તે વખતે બી.સી.જી.ની રસી અને ત્રીજા મહિનાથી ત્રિગુણી અને પોલીઓ રસીનો પહેલો ડોઝ આપી તે રસીનો કોર્સ શરૂ કરાય છે , જેનાથી બાળકમાં ક્ષયરોગ ( ટી.બી. ) અને પોલીઓ તેમજ ડિસ્થેરિયા , ઉટાંટિયું તથા ધનુર રોગ સામે ટકવાની પ્રતિકારશક્તિ ઉત્પન્ન થાય છે . બાળકનું પોષણ :
બાળક જો તંદુરસ્ત જન્મ્યું હોય તો વહેલામાં વહેલી તકે તેને માનું ધાવણ આપવાની શરૂઆત કરી શકાય . હા , જન્મ પછી જ્યારે બાળકમાં ચેતના આવે ત્યારે પ્રથમ પીણા તરીકે તેને ઠારેલું પાણી કે ગ્લુકોઝનું પાણી પણ આપી શકાય . છતાં બાળકને સ્તન ચૂસવા દેવાની ક્રિયા કરાવવી જરૂરી છે , કેમ કે તે કરવાથી બાળકને કોલોસ્ટ્રમ્ મળે છે અને માતાને ધાવણ આવવાનું સરળ બને છે .





