માતાનું દૂધ : શ્રેષ્ઠ બાલ - આહાર

 માતાનું દૂધ : શ્રેષ્ઠ બાલ - આહાર 

માતાનું દૂધ : શ્રેષ્ઠ બાલ - આહાર


નવજાત શિશુના જન્મ સાથે માતા તથા અન્ય કુટુંબીજનોને જેટલો આનંદ થાય છે તેટલી જ મૂંઝવણો પણ થાય છે . એક મૂંઝવણ નવજાત શિશુના પોષણ અંગેની હોય છે . 

આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંઘ , યુનિસેફ , આંતરરાષ્ટ્રીય પ્રસૂતિશાસ્ત્રીઓનો સંઘ તથા બાલરોગ તજજ્ઞોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે , નવજાત શિશુને માટે તેની માતાનું ધાવણ એક ઉત્તમ આહાર છે . પોષણની દષ્ટિએ માતાના ધાવણની તોલે બીજું કોઈ દૂધ કે આહાર આવી શકે નહિ . નવજાત શિશુ માટે તેની માતાનું દૂધ એ કુદરતની સર્વોત્તમ બક્ષિસ છે . બાળકનાં સંપૂર્ણ વૃદ્ધિ અને વિકાસ માટેનાં બધાં જરૂરી પોષકતત્ત્વોથી તે ભરપૂર છે . તે બાળકના શરીરને રોગ સામે ટકી રહેવાની શક્તિ આપે છે . માતાનું ધાવણ એક રીતે બાળકના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ( immunity ) ઉત્પન્ન કરે છે . 

જો માતાને પૂરતા પ્રમાણમાં ધાવણ આવતું હોય તો તેણે બાળકને શરૂઆતના ત્રણ માસ સુધી કેવળ પોતાના ધાવણ પર જ રાખવું જોઈએ . તે પછી બાળકના વૃદ્ધિ - વિકાસ માટે અન્ય પોષકતત્ત્વોની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ધાવણ ઉપરાંત અન્ય પૂરક એવા સુપાચ્ય પોષક પદાર્થો કે ખોરાક બાળકને આપી શકાય .

માતાનું દૂધ : શ્રેષ્ઠ બાલ - આહાર


 ધાવણમાં રહેલા પોષક ઘટકો

બાળકના જન્મ પછીના પ્રથમ કે બીજા દિવસે માતાના સ્તનમાંથી ઘટ્ટ , પીળાશ પડતું , ચીકણું પ્રવાહી ઝરે છે , જેને ચીક ( કોલેસ્ટ્રમ ) કહે છે . આ પ્રવાહી નવજાત શિશુ માટે અત્યંત પોષક હોય છે , એટલું જ નહિ તે રોગનો સામનો કરનારાં તત્ત્વો , પ્રોટીન અને વિટામિન ‘ એ’થી ભરપૂર હોય છે . પ્રત્યેક સમજદાર અને નિરોગી પ્રસૂતાએ પોતાના બાળકને આ ચીક શરૂઆતના દિવસોમાં અવશ્ય આપવો જોઈએ .

ચિકમાં રહેલા પોષક ઘટકો ( દર ૧૦૦ ગ્રામ દીઠ ) 

( ૧ ) પ્રોટીન : ૬ ગ્રામ 

( ૨ ) સ્નિગ્ધાંશ ( ચરબી ) : ૨૫ ગ્રામ 

( ૩ ) સ્ટાર્ચ : ૩ ગ્રામ 

તદુપરાંત , માતાના ધાવણમાં નવજાત શિશુનું રોગોથી સંરક્ષણ કરવા માટે કેટલાક વિશેષ પ્રતિરક્ષક ઘટકો હોય છે , જે ' antibodies ' તરીકે ઓળખાય છે . 

ધાવણ ( ચીક ) થી થતા ફાયદા 

પ્રત્યેક તંદુરસ્ત પ્રસૂતાના સ્તનમાંથી ધાવણ સાથે પ્રથમ ત્રણથી છ દિવસ સુધી ‘ ચીક ’ તરીકે ઓળખાતો ચીકાશવાળો પ્રવાહી પદાર્થ નીકળે છે , જે પીળાશ પડતો અને ઘટ્ટ દૂધ જેવો હોય છે . દરરોજ આશરે ૧૦ થી ૪૦ મિલિના પ્રમાણમાં આ ચીક નીકળે છે . નવજાત શિશુને શરૂઆતના દિવસોમાં ચીક આપવાથી નીચેના ફાયદા થાય છે : 

( ૧ ) ચીકમાં રોગપ્રતિકારક શક્તિ હોવાથી બાળકને અનેક રોગો સામે રક્ષણ મળે છે . શરદી , સળેખમ , ઉધરસ , ઝાડા , કાનમાં રસી થવી અને પોલીઓ જેવા રોગોથી બાળકનો કુદરતી રીતે બચાવ થાય છે . ઍલર્જી , દમ , ચામડીના રોગો ઇત્યાદિ મોટી ઉંમરે દેખા દેતી તકલીફો સામે પણ બાળકને સંરક્ષણ મળે છે . અર્થાત ચીક એ એક પ્રકારની ‘ રોગપ્રતિકારક ' રસી છે . વળી ચીકથી બાળકને સાફ ઝાડો આવે છે , કબજિયાત રહેતી નથી અને તેના પેટમાં રહેલું કાળા રંગનું મળદ્રવ્ય સહેલાઈથી બહાર નીકળી જાય છે .

 ( ૨ ) ચીક બાળકની પાચનશક્તિ વધારે છે અને અન્ય આહારની કોઈ આડ - અસર થવા દેતું નથી . આ ‘ ચીક ’ પ્રવાહી દ્વારા બાળકના આંતરડામાં પાચકરસ તૈયાર થાય છે , જે મોટી ઉંમર થતાં બીજા દૂધ કે ફળાદિ પચાવવામાં મદદ કરે છે . 

( ૩ ) આ પ્રવાહી વડે બાળકના આંતરડામાં સંરક્ષણાત્મક સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે , જેનાથી અન્નપાચન અને શોષણક્રિયા સુગમ બને છે . નવજાત શિશુની ધાવણની જરૂરિયાત : મોટા ભાગની તંદુરસ્ત અને સામાન્ય બાંધો ધરાવતી પ્રસૂતાઓને દરરોજ આશરે અર્ધાથી પોણા લિટર જેટલું ધાવણ આવે છે . આટલું ધાવણ નવજાત બાળકના પોષણ માટે પૂરતું છે . જો શરૂઆતમાં ધાવણનું આ પ્રમાણ જળવાઈ રહે અને બાળક જેમ મોટું થાય તેમ ધાવણનું ઉત્પાદન વધતું જાય તો શરૂઆતના ત્રણથી ચાર મહિના સુધી બાળકને ધાવણ ઉપરાંત બીજો કોઈ આહાર આપવાની જરૂરત રહેતી નથી . પણ વાસ્તવમાં એવું બને છે કે મોટા ભાગની માતાઓનું ધાવણ દિનપ્રતિદિન ઘટતું જાય છે અને વૃદ્ધિ પામતા બાળકની જરૂરિયાત વધતી જાય છે . આવા સંજોગોમાં બાળકને બહારનું શુદ્ધ ( ડેરીનું પાચ્યુરાઇઝ્ડ ) અને હલકું દૂધ તથા ફળોનો રસ આપવાં જોઈએ .

 માતાએ બાળકને કેટલો વખત અને ક્યારે ધવડાવવું જોઈએ . એ પ્રશ્ન ઘણી માતાઓને મૂંઝવે છે . આ માટેના કોઈ ચોક્કસ નિયમો નથી ; છતાં ધાવણ ઉત્પન્ન કરવાની માતાની શક્તિ , બાળકની તંદુરસ્તી અને જરૂરિયાત તથા સ્થળ અને કાળના સંદર્ભમાં આ બાબત વ્યક્તિગત રીતે નક્કી કરી શકાય . આ માટે કોઈ જડ નિયમોને વળગી રહેવાની જરૂર નથી . કોઈ પણ જડ નિયમોનું પાલન કરવાથી બાળકની તંદુરસ્તી જોખમાય છે . 

છતાં સામાન્ય રીતે પહેલા અઠવાડિયા પછી બાળકને છથી આઠ વાર ધવડાવવાનું યોગ્ય લેખાય . તેમ કરવાથી બાળક શાંત , પ્રસન્ન અને તંદુરસ્ત રહે છે . સ્વાભાવિક રીતે બાળકને અઢી - ત્રણ કલાક સુધી ધાવણની જરૂર પડતી નથી . પણ પાંચ કલાકથી વધારે મોડું કદી ન કરવું . રાત્રે પણ જો બાળક ભૂખ્યું થાય અને રડે તો તેને ધવડાવવામાં કશો જ વાંધો નથી . બાળક રડે ત્યારે તે ભૂખ્યું જ થયું છે , એવું હંમેશ ન માની લેવું . બીજાં કારણોને લીધે પણ તે રડે છે . રડતા બાળકને છાનું રાખવા માટે કેટલીક માતાઓ તેને ધવડાવવા માંડે છે , તે તદ્દન ખોટું છે . હા , તેનું કારણ ‘ ભૂખ ’ હોય તો ધવડાવવામાં વાંધો નથી . કોઈ વાર બાળકને તરસ લાગી હોય ત્યારે પણ તે રડે છે . આવે વખતે થોડું પાણી પાવાથી તે શાંત થઈ જશે . ટૂંકમાં બાળકની જરૂરિયાત , માંગણી અને ધાવણની ઉપલબ્ધિ મુજબ સ્તનપાન કરાવવું જોઈએ

માતાનું દૂધ : શ્રેષ્ઠ બાલ - આહાર


સ્તનપાનની પદ્ધતિ 

બાળકને સ્તનપાન કરાવવાથી જે પોષણ અને આરોગ્યવિષયક લાભ થાય છે , તેથી વિશેષ લાભ તો સ્તનપાનની ઉચિત પતિ અપનાવવાથી થાય છે . સ્તનપાન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે . સ્વચ્છતા અને આરોગ્ય તેની સાથે સ્પષ્ટ રીતે સંકળાયેલાં છે . બાળકને સ્તનપાન કરાવત પહેલાં માતાએ પોતાના હાથ સાબુથી ઘસીને ધોવા જોઈએ , ત્યારબાદ સ્તનની ડીંટડીને કોકરવરણા ગરમ પાણી વડે ધોઈને બરોબર સાફ કરવી અને સ્વચ્છ કપડા વડે લૂછી નાખવી . સાથે ગરમ પાણીમાં ઝબોળેલા કપડા વડે આખ સ્તન લૂછી નાખવાં . તે પછી જ બાળકને ધવરાવવું , સવારે છ વાગે બાળકને પથારીમાં તોતાં જ ધવરાવવું , કેમ કે પ્રથમ વાર ધવરાવતી વખતે માતાને પૂરતો આરામ અને પૂર્ણ માનસિક શાંતિ મળવાં જોઈએ . ક્યારેક તકિયાને કે ભીંતને અઢેલીને આરામથી બેસી બાળકને હાથમાં લઈ ધવરાવવું અને ધવરાવ્યા પછી થોડો આરામ કરવો . જ્યારે જ્યારે બાળકને ધવરાવવું હોય ત્યારે ત્યારે માતાએ ખૂબ શાંતિને પોતાને અનુકૂળ હોય તેવી આરામની સ્થિતિમાં બેસી અત્યંત વહાલથી બાળકને ધવરાવવું . ધવરાવતી વખતે બાળકને કોઈ અગવડ કે મુશ્કેલી ન પડે તે ખાસ જોવું . ક્યારેક જરૂર પડે તો બાળકનું માથું પોતાના હાથ પર ટેકવી તેનું શરીર ખોળામાં રહે તે રીતે સુવાડીને ધવરાવવું . જો માતાનાં સ્તન અત્યંત ભરાવદાર અને વજનદાર હોય તો , ધવરાવતી વખતે સ્તનને બીજા હાથે ટેકો આપવો જેથી બાળકના મોઢા કે ગરદન પર તેનું વજન ન આવે . 

સ્તનપાન એ કેવળ શારીરિક પ્રક્રિયા નથી , તેની સાથે બાળકનું અને માતાનું ઊર્મિતંત્ર પણ સક્રિય હોય છે . એટલે માતાએ ખૂબ શાંતિથી , પ્રેમથી , એકચિત્તે ઉમદા વિચારો અને સ્મિત - ઉમંગથી બાળકને ધવરાવવું . ઉતાવળે , રઘવાટથી કે ગુસ્સામાં આવીને આ ક્રિયા ન કરવી . મોટેમોટેથી બોલીને કે લડવાની પ્રક્રિયા ચાલુ રાખીને બાળકને કદીય ન ધવરાવવું . તેવા સંજોગોમાં ધાવતા બાળકને ધાવણનો કોઈ પોષક લાભ મળતો નથી કે તેના ઊર્મિઆવેગને શાંતિ મળતી નથી . બાળકનાં મન અને ઊર્મિતંત્ર શરીર સાથે જોડાયેલાં હોવાથી તેને યોગ્ય અને પ્રેરક વાતાવરણ મળવું જોઈએ . બાળકને સ્તનપાન કરાવતી વખતે માતાએ કોઈ એકાંત , શાંતિ અને ખુલ્લી હવા - ઉજાસવાળી જગા પસંદ કરવી જોઈએ . 

બાળકને એક સ્તન પર ધવરાવવું કે બંને પર તે પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે . સામાન્ય રીતે બંને સ્તનમાં સાધારણ ધાવણ ચડતું હોય તો બાળકને વારાફરતી બંને સ્તન ખાલી થઈ જાય ત્યાં સુધી ધવરાવવું . સ્તનના છેવટના ભાગના ધાવણમાં મલાઈનું તત્ત્વ સવિશેષ હોય છે , એટલે તેનો લાભ બાળકને મળી શકે . પણ જો બંને સ્તન વધુ પડતા ધાવણથી ઊભરાતાં હોય તો , એવું બને કે માતા બાળકને બંને સ્તનનું થોડું થોડું દૂધ આપે . પણ આમ કરવાથી સ્તનના છેવટના ભાગનું વધુ મલાઈયુક્ત દૂધ મળી શકે નહિ . એટલે આવા સંજોગોમાં માતાએ એક સ્તન ખાલી થાય ત્યાં સુધી બાળકને તે સ્તન પર જ ધવરાવવું . બીજી વખતે બીજા સ્તન પર . તેમ છતાંય જો ધાવણનો ભરાવો વધારે હોય તો માતાએ થોડું ધાવણ સ્તનને કાળજીપૂર્વક દબાવીને સ્વચ્છ પ્યાલામાં કાઢી લેવું અને ઢાંકીને મૂકી રાખવું . તેનો ઉપયોગ જરૂર પડે ત્યારે બાળકને ચમચી વડે પાવામાં કરવો . 

ધાવતી વખતે બાળકના પેટમાં થોડી હવા જાય છે . તેથી ધવરાવ્યા પછી બાળકનું માથું માતાના ખભા પર ટેકવીને તેની પીઠ ધીમેથી થાબડવી , જેથી તેના પેટમાં ગયેલી હવા બહાર નીકળી જશે અને બાળકનું શરીર હલકું બની જશે . ધવરાવ્યા પછી બાળકને જમણા પડખે સુવાડવું . એકાદ કલાક પછી ડાબા પડખે ફેરવવું , પણ તે ચત્તું ન સૂએ તે ખાસ જોવું .

વધુ નવું વધુ જૂનું

સંપર્ક ફોર્મ