જન્મ સમયે બાળકનું વજન સાડા છ પાઉંડ એટલે કે ૨.૭ થી ૩.૧ કિલો ( સરેરાશ ત્રણ કિલોગ્રામ ) હોવું જોઈએ . બાળકની લંબાઈ વીસ ઇંચ કે ૫૦ સેમી હોય છે . માથાનો ઘેરાવો ૧૩ ઇંચ હોય છે . હૃદયના ધબકારા મિનિટે ૧૨૦ થી ૧૪૦ , સરેરાશ શ્વાસ ૪૪ અને લોહીનું દબાણ ૬૦ થી ૮૦/૫૦ હોય છે . ઉપરાંત , સ્ત્રી સગર્ભા બન્યાના ૨૫૯ થી ૨૮૭ દિવસ દરમ્યાન બાળકનો જન્મ થવો જોઈએ . આ બધી મર્યાદાઓથી નીચું ધોરણ ધરાવનાર બાળકને અપરિપક્વ બાળક ગણવામાં આવે છે . સામાન્ય રીતે એક વાર પરિપક્વ બાળકની પ્રસૂતિની પ્રક્રિયા શરૂ થયા પછી તેને ધીમી પાડવાનું કોઈ જ કારણ રહેતું નથી . છતાં , કોઈ વિશેષ પરિસ્થિતિ ઊભી થાય તો સગર્ભાને તત્કાલ હૉસ્પિટલમાં દાખલ કરવી પડે છે . અસામાન્ય પ્રસૂતિ લગભગ ૫ ટકા સ્ત્રીઓને પ્રસૂતિ સામાન્ય રીતે થતી નથી .
અસામાન્ય પ્રસૂતિના પ્રકાર
( ૧ ) બ્રીચ ડિલિવરી ( ઊંધા બાળકની પ્રસૂતિ ) :
આજે બ્રીચ ડિલિવરી બહુ અઘરી બાબત રહી નથી . તેમાં બહુ સમય પણ લાગતો નથી . આમ છતાં સામાન્ય પ્રસૂતિ કરતાં આમાં વધુ મુશ્કેલી પડે છે . આથી આવી પ્રસૂતિ હૉસ્પિટલમાં કરાવવાનું જ વધુ યોગ્ય ગણાય . બાળકનું માથું મોટું હોય કે પાછળ તરફ વળી ગયેલું હોય તો પ્રસૂતિ દરમિયાન અનેક તકલીફો પડે છે . આ પ્રસૂતિમાં બાળકનું માથું છેલ્લે બાળક નીકળતું હોવાથી કોઈ પણ પરિબળ તેને મળતા ઑક્સિજનને રોકે તો બાળકનું જીવન મુશ્કેલીમાં મુકાઈ જાય છે . વળી , પ્રસૂતિ વખતે વધુ પડતી ઉતાવળ કરવામાં આવે તો પણ નુકસાન થવા સંભવ છે .
( ૨ ) કેફેલીક ડિલિવરી ( સીધી પ્રસૂતિ ) :
આમાં બાળકનું માથું ગર્ભાશયના મુખમાંથી ખૂબ જ ધીમે ધીમે બહાર આવે છે . જેમ જેમ બાળકનું માથું બહાર આવતું જાય છે તેમ તેમ માથાના આકારમાં ફેરફાર થતો રહે છે . અર્થાત્ કોમળ હાડકાં બાળકની ખોપરીના દબાણ પ્રમાણે આકાર બદલતાં રહે છે . આથી ગર્ભાશયના મુખમાંથી તેને પસાર થવાનું વધુ સરળ બને છે . આ પ્રસૂતિ ધીરે ધીરે થાય છે તેથી આમાં કેટલાક કલાકનો સમય લાગે છે .
( ૩ ) જોડકાં બાળકો :
સગર્ભાના ગર્ભાશયમાં બે કે વધુ બાળકો વિકાસ પામતાં હોય તો તે સગર્ભાના શરીર માટે બોજારૂપ બને છે . જોડકાં બાળકોના પણ બે પ્રકાર હોય છે : સમ જોડકાં અને વિષમ જોડકાં . સમ જોડકાં એક જ ઈંડાંમાંથી ઉત્પન્ન થયેલાં હોય છે અને બેમાં વિભાજિત થઈને તેમની વૃદ્ધિ થાય છે . તેઓ માત્ર સરખાં જ હોતાં નથી પરંતુ એકબીજાની પ્રતિકૃતિ જેવાં લાગે છે . જ્યારે વિષમ જોડકાનાં બાળકો માતાના બે જુદા જુદા ઈંડાંમાંથી ઉત્પન્ન થાય છે અને તે તેમનાં ભાઈઓ કે બહેનો કરતાં અલગ પડતાં હોય છે .
( ૪ ) એપીઝીઓટૉમી :
આ પ્રકારની પ્રસૂતિમાં યોનિમાર્ગમાં ચામડી તથા સ્નાયુ પર ગોળાકાર કાપ મૂકવામાં આવે છે . તબીબ કે નર્સને યોગ્ય લાગે તો ઇંજેક્શન આપીને યોનિના ભાગને બહેરો બનાવી દેવામાં આવે છે . ચામડી બહેરી બન્યા પછી ગુદામાર્ગની જમણી કે ડાબી બાજુની દિશામાં યોનિમાર્ગમાં કાપો મૂકવામાં આવે છે . આ કાપાથી યોનિમાર્ગ પહોળો થાય છે અને બાળકનું માથું સહેલાઈથી બહાર આવી શકે છે . યોનિમાર્ગ સાંકડો હોય ત્યારે આવું કરવું પડે છે .
( ૫ ) સેક્શન વેક્યુમ એકસ્ટ્રેક્શન :
આ પદ્ધતિનો ઉપયોગ બીજા તબક્કાને ઝડપી બનાવવા માટે કરવામાં આવે છે . પ્રસૂતિનો પ્રથમ તબક્કો પૂરો થઈ ગયા પછી ધાતુનો એક નાનો કપ બાળકના માથા પર લગાવવામાં આવે છે . આ કપમાં ખાસ યંત્ર વડે શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલો હોય છે , જેથી આને ખેંચવાથી ગર્ભાશયમાં રહેલું બાળક ખેંચાણ પામીને ધીરેધીરે બહાર આવે છે . આ પદ્ધતિનો એક ગેરફાયદો એ છે કે માથાના જે ભાગ ઉપર ધાતુની ડિસ્ક લગાવવામાં આવે છે ત્યાં સોજો આવી જાય છે અને આ સોજો ઊતરતાં ઘણો સમય લાગે છે . આ પદ્ધતિનો ફાયદો એ છે કે માતાના ગર્ભાશયનું મુખ પૂરેપૂરું પહોળું ન થયું હોય તો પણ સહેલાઈથી પ્રસૂતિ કરાવી શકાય છે . આમાં ચીપિયાની મદદ લેવાની જરૂર પડતી નથી .
( ૬ ) ફોરસેપ્સ ડિલિવરી :
આ પદ્ધતિમાં ચીપિયાનો ઉપયોગ કરવામાં આવે છે . જોકે તેનાં પરિણામો ક્યારેક ખરાબ પણ આવી શકે છે . જ્યારે માતા બાળકને ગર્ભાશયમાંથી બહાર ધકેલવા અસમર્થ હોય અને ‘ એપીડયુરાલ એનેસ્થેશિયા’ની સંપૂર્ણ અસર નીચે હોય ત્યારે અથવા તે વગર આ રીતે ચીપિયા વડે પ્રસૂતિ કરાવવાની જરૂર પડે છે .
( ૭ ) સીઝેરિયન ડિલિવરી ( પેટ ચીરીને બાળકને બહાર લેવું ) :
એક સમય એવો હતો કે સીઝેરિયન ડિલિવરી ખૂબ જ જોખમી ગણાતી હતી . એમાં પ્રસૂતાની બચવાની શક્યતા ઘણી ઓછી રહેતી . આજે તો સીઝેરિયન ડિલિવરીને તદ્દન સામાન્ય ગણવામાં આવે છે . હવે આવી પ્રસૂતિમાં બાળક તથા માતાના જીવન માટે કોઈ જોખમ રહેતું નથી . આ પદ્ધતિમાં પેટ ખોલી , ગર્ભાશયમાં ચીરો મૂકી , બાળકને કાઢી લેવામાં આવે છે .
કારણો : સીઝેરિયન ઑપરેશન કરવાની જરૂરિયાત ઊભી થવાનાં કેટલાંક કારણો નીચે પ્રમાણે છે :
ક . ગાંઠ : ગર્ભાશયના મુખની ગાંઠ બાળકના જન્મને અવરોધે છે . આથી પેટ ચીરીને સીઝેરિયન સેક્શનથી પ્રસૂતિ કરાવવી પડે છે . "
ખ . મોટા માથાવાળું બાળક : પાણીના ભરાવાને કારણે બાળકનું માથું મોટું થઈ ગયું હોય તો સોય કે અન્ય સાધન વડે માથામાંથી પાણીનો ભાગ કાંઢીને અથવા સીઝેરિયન ઑપરેશન દ્વારા પ્રસૂતિ કરાવવી પડે છે .
ગ . નીચેનું ચિત્ર દર્શાવે છે કે બાળકના માથા સાથે તેનો હાથ પણ બહાર આવી ગયો છે . આવી પરિસ્થિતિમાં પણ સીઝેરિયન સેક્શન આવશ્યક બની રહે છે .
( ૮ ) ગર્ભાશયનું ફાટી જવું :
પહેલું બાળક યોનિમાર્ગ સાંકડો હોવાને કારણે ઑપરેશન દ્વારા લીધું હોય અથવા પીટોસીન જેવી દર્દ વધારનારી દવાનો દુરુપયોગ થયો હોય ત્યારે ગર્ભાશય ફાટી જવાની શક્યતા રહે છે . મોટી ઉંમરે , વધુ બાળકોવાળી માતા હોય કે અગાઉ પેટ ચીરીને બાળક લીધું હોય ત્યારે આ પરિસ્થિતિ વધુ જોવા મળે છે .



