દરેક સગર્ભાને એવો ડર રહે છે કે પ્રસૂતિ ક્યારે થઈ જશે તેની એને ખબર જ નહિ પડે , પરંતુ ખરેખર તો આવો કોઈ ડર રાખવાની જરૂર નથી , કારણ કે દરે સગર્ભાને પ્રસૂતિ થવાની ઘડીનો ખ્યાલ ઠીક ઠીક અગાઉથી જ આવી જાય છે . આ ઘટનાનાં નીચે જણાવેલાં ત્રણ લક્ષણો અથવા ત્રણમાંથી એક લક્ષણ જોવા મળે છે :
( ૧ ) યોનિમાંથી લોહી જેવું થોડું પ્રવાહી વહે છે . આ પ્રવાહી એકા- એક વહેવાનું શરૂ થાય છે .
( ૨ ) પેશાબ કરતી વખતે દુખાવો થાય છે .
( ૩ ) થોડા થોડા સમયના અંતરે પેઢુમાં દુખે છે , જેને ‘ દર્દ આવ્યું ’ કે ‘ દર્દ ઊપડયું ” એમ કહેવામાં આવે છે . ઉપરનાં લક્ષણો જણાય ત્યારે સગર્ભાએ સમજી લેવું જોઈએ કે પ્રસૂતિનો સમય નજીક આવી રહ્યો છે . આથી તેણે તરત જ હૉસ્પિટલમાં દાખલ થઈ જવું જોઈએ . પ્રસૂતિ એક એવી ક્રિયા છે કે જેમાં બાળક ગર્ભાશયમાંથી બહાર આવે છે , ફેંકાય છે . સગર્ભા બાળકને જન્મ આપીને પુન : મૂળ શારીરિક સ્થિતિમાં આવે છે તે સમયગાળાને નીચે મુજબ ત્રણ તબક્કામાં વહેંચી શકાય :
( ૧ ) પહેલો તબક્કો :
પ્રથમ તબક્કામાં ગર્ભાશયનો ઉપરનો ભાગ સંકોચાવાથી ગર્ભાશયનું મુખ પાતળું થાય છે અને મુખની બધી નસો પર દબાણ આવે છે . સંકોચન દર પાંચ મિનિટે થાય છે . તે વખતે ગર્ભાશયનું મુખ લગભગ ૧.૨ ઇંચ ( ૩ સેમી ) જેટલું ખૂલે છે . પછી સંકોચન દર ત્રણ મિનિટે થાય છે . ત્યારે ગર્ભાશયનું મુખ લગભગ ૨ - ઇંચ ( ૬ સેમી ) જેટલું ખૂલે છે . જ્યારે સંકોચન દર બે - બે મિનિટે થાય છે ત્યારે મુખ સંપૂર્ણ ખૂલી જાય છે અને સર્વપ્રથમ બાળકનું માથું બહાર આવે છે .
( ૨ ) બીજો તબક્કો :
આ તબક્કામાં ગર્ભાશયનું સંકોચન જુદી રીતે થાય છે . પ્રત્યેક વખતે બાળક પાછું જતું હોય તેમ ફરી પ્રતિદબાણ કરવાની ઇચ્છા થાય છે . જે સ્ત્રીની પ્રથમ પ્રસૂતિ હોય અને જેને પ્રસૂતિની ક્રિયાનું બિલકુલ જ્ઞાન ન હોય તે સ્ત્રી તરત ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દે છે અને શ્વાસને રોકી રાખે છે . ગર્ભાશયમાંથી બાળક બહાર ન આવે ત્યાં સુધી દરેક ઊંડા શ્વાસ વખતે તે પીડા સહન કરતી રહે છે . યોનિમાંથી બાળક બહાર નીકળતું હોય ત્યારે માતાને પોતાના પગ પકડવાની ઇચ્છા થાય છે . છેલ્લે બાળક સંપૂર્ણ રીતે બહાર ફેંકાઈ જાય છે .
બાળકના મોંમાં , નાકમાં અને હવાના આવાગમનના માર્ગમાં પાણી કે પ્રવાહી હોય તેને સાફ કરવામાં આવે છે . બાળક બરોબર શ્વાસોચ્છ્વાસ લઈ શકે છે કે નહિ તે તપાસવામાં આવે છે . પછી બાળક માતાને સોંપવામાં આવે છે . બાળક જ્યારે માતાના પડખામાં હોય છે ત્યારે તેને એ બાબતનો ખ્યાલ આવે છે કે પોતે બાળકને જન્મ આપીને તે ઘણી કસોટીમાંથી પાર ઊતરી ગઈ છે .
( ૩ ) ત્રીજો તબક્કો :
પ્રસૂતિ પછી ગર્ભાશયનું સંકોચન બંધ થઈ જાય છે અને ગર્ભાશય આરામની સ્થિતિમાં આવી જાય છે . આ સ્થિતિ પછી ગર્ભાશયનું સંકોચન પંદર મિનિટ પછી ફરીથી શરૂ થાય છે . આ સંકોચનો શક્તિશાળી બને છે અને ઑર બહાર નીકળે છે ; ગર્ભાશય અંદર ધકેલાય છે અને તે મૂળ સ્થિતિમાં આવી જાય છે .
પ્રસૂતિની પીડા
પ્રસૃતિ દરમ્યાન થનાર દુખાવા કે પીડામાં રાહત મેળવવા માટે અપનાવવામાં આવનારી કેટલીક પદ્ધતિઓ નીચે મુજબ છે
( ૧ ) કુદરતી રીતે પ્રસૂતિ થાય અને સગર્ભાને પીડા કે દુખાવો ઓછો થાય તે માટે તબીબ , મોટિવેટેડ નર્સ કે શિક્ષિત અને જાણકાર સ્ત્રીની મદદ લેવી જોઈએ .
( ૨ ) હાલમાં હિપ્નોટિઝમની મદદથી પણ પ્રસૂતિ કરાવવામાં આવે છે . આ પદ્ધતિ સંવેદનશીલ સ્ત્રીઓ માટે સફળ પુરવાર થઈ છે .
( ૩ ) ઍક્યુપંક્ચરના ઉપયોગ દ્વારા પણ દુખાવો ઓછો કરીને પ્રસૂતિ કરાવી શકાય છે , એવો દાવો કરવામાં આવે છે .
( ૪ ) સગર્ભાને પેથીડીનનું ઇંજેક્શન આપીને ગર્ભાશયના સ્નાયુઓ ઢીલા કરવામાં આવે છે . આ રીતે દુખાવામાં ઘટાડો કરી શકાય છે .
( ૫ ) ઑક્સાઇડ ઑફ નાઇટ્રોજન અને ઑક્સિજનનું મિશ્રણ કરી સગર્ભાને શ્વાસોચ્છવાસમાં આપવામાં આવે છે . આ માટે સગર્ભાના મોં પર રબરનો માસ્ક રાખવો પડે છે .
( ૬ ) સગર્ભાને કમરમાં એપીડયુરલ એનેસ્થેશિયાનું ઇંજેક્શન આપવામાં આવે છે અને ત્યાર બાદ પીડારહિત પ્રસૂતિ કરાવવામાં આવે છે .

